ગુપ્ત નવરાત્રિ તરીકે પણ ઓળખાતી માઘ નવરાત્રિ
૧૬મીએ વસંત પંચમી, ૨૦મીએ આઠમના નૈવેદ્ય-ખોડિયાર જયંતી
બ્રિજેશ ગૌસ્વામી
શક્તિના નવ સ્વરૂપની આરાધના-ઉપાસનાના મહા પર્વ માઘ (મહા) નવરાત્રિનો આગામી ૧૨મી ધર્મમય માહોલમાં આરંભ થશે. ગુપ્ત નવરાત્રિ તરીકે પણ ઓળખાતી માઘ નવરાત્રિ દરમિયાન માંઈભક્તો ઉપવાસ-એકટાણાં કરી માતાજીની ભક્તિ-ભાવના કરશે. મહા માસના આરંભ સાથે લગ્નસરાની સિઝન પણ પૂરબહારમાં ખીલી ઉઠશે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં વર્ષ દરમિયાન ચાર નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે.
ચૈત્રી નવરાત્રિ, ગુપ્ત નવરાત્રિ, શરદ નવરાત્રિ અને પુષ્ય નવરાત્રિ. આ ઉપરાંત માઘ નવરાત્રિની પણ ઉજવણી થાય છે. વર્ષમાં મહા અને અષાઢ માસમાં એમ બે વખત ગુપ્ત નવરાત્રિ આવે છે. હિન્દુ ધર્મમાં મહા માસનું ખૂબ જ મહાત્મય રહેલું છે. આ માસમાં પૂજા, દાન-પુણ્ય, લગ્ન જેવા શુભ કાર્યો કરવાની ધાર્મિક માન્યતાઓ રહેલી છે. તો ઘણાં કુટુંબોમાં મહા માસની નવરાત્રિના માતાજીના નૈવેદ્ય કરવાની પરંપરા રહેલી છે.
નવ દિવસ દરમિયાન શક્તિના નવ સ્વરૂપોને સમર્પિત કરવામાં આવ્યા છે. ત્યારે માઘ (ગુપ્ત) નવરાત્રિ દરમિયાન શહેર-જિલ્લામાં આવેલા માતાજીના મંદિરો, મઢોમાં નવશક્તિની ઉપાસના-આરાધના કરવામાં આવશે. માંઈભક્તો દ્વારા નવરાત્રિના ઉપવાસ-એકટાણાં કરાશે. જ્યારે ૨૦મીએ માતાજીને આઠમના નૈવેદ્ય ધરાશે. સાથો સાથ આઈ શ્રી ખોડિયાર માતાજીની જન્મ જયંતી હોય, રાજપરા ખોડિયાર મંદિર, ખોડિયાર માતાની અવતરણ ભૂમિ રોહિશાળા વગેરે સ્થળોએ ખોડિયાર જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવશે.
નવરાત્રિ દરમિયાન ૧૬મીએ વસંત પંચમીનું પવિત્ર પર્વ ઉજવાશે. વસંત પંચમીના શુભ મુહૂર્તમાં અનેક યુગલો લગ્નના તાંતણે બંધાશે. ૧૨મી ફેબુ્રઆરીથી શરૂ થતી ગુપ્ત નવરાત્રિ ૨૧મી ફેબુ્રઆરીને રવિવારે પૂર્ણ થશે.
Read the full article