વાંચવા જેવું...
ઈટાલીમાં 'કોરોનાસુર' અત્યારે સૌથી વધુ તબાહી મચાવી રહ્યો છે. મેં હમણાં મારા સ્પેક્ટ્રોમીટરના લેખમાં ઈટાલી બાબતે ભૂતકાળમાં ત્યાં એકથી વધુ વાર જઈ, રઝળપાટ કરીને કાઢેલું તારણ લખ્યું એમ કુટુંબપ્રથા, કરપ્શન, કલર્સ, કેઓસ, કામકેલી... ઘણી રીતે આપણી સાથે એનું સામ્ય છે.
ઠીક છે, પણ અત્યારે વાત એ કરવાની કે થોડા દિવસ પહેલા ઇટાલીના ફેશન કેપિટલ મિલાનમાં એક હોસ્પીટલમાં એક નવજાત બચ્ચું જન્મ્યું. એને એના મમ્મીએ ડાઈપર પહેરાવ્યું શ્વાસ લેતાવેંત આ જગતમાં, એના પર રંગીન ક્રેયોન્સથી ઈટાલીયનમાં લખેલું હતું : "Andrà tutto bene" એટલે "Everything is going to be all right" મતલબ, સહુ સારાવાના થઇ રહેશે !
આજના કપરા કાળમાં ઈટાલીમાં આ આશા અને પોઝિટીવિટીનો મેસેજ ખાસ્સો વાઈરલ થયો ! આપણી જેવા જ લાગણીશીલ લોકોએ આમાં રાહત શોધી. શિશુની પ્રસૂતિ કરાવનાર ને હેલ્થ ચેક અપ માટે પેટીમાં રાખનાર હોસ્પિટલે પણ બહુ સરસ ગુરુદેવ ટાગોરના વિચારનો પડઘો પાડતા હોય એમ ફેસબુક પર લખ્યું : "Life is stronger than anything! Welcome to all the babies who are being born in these difficult days...You are proof that life doesn't stop."
અર્થાત : જીવન બધા કરતા વધુ મજબૂત છે,મહાન છે. આ કઠણ કસોટીકાળમાં જગતમાં જન્મતા તમામ બાળકોનું સ્વાગત છે. નાનકડા શિશુ, તું સાબિતી છો કે કંઈ પણ થાય - જિંદગીની રફતાર ક્યારેય રોકાતી નથી હોતી !
યસ, પરમેશ્વરને હજુ માનવજાતને પાઠ ભણાવીને ટકાવી રાખવી છે. કદાચ આ બચ્ચાંઓની પેઢી વધુ ડાહી નીકળશે. આંખો પટપટાવી આ તંદુરસ્ત ભૂલકાંએ શ્વાસ લીધો એ રુદનમાં ઈટાલીને જીવનસંગીતનું સ્મિત સંભળાયું. 'જ્યુરાસિક પાર્ક'માં સ્પીલબર્ગે એક ડાયલોગ લખાવેલો : life finds a way. जीवन रास्ता ढूंढ लेता है.
એકઝેટલી, લાઈક મેની ન્યુબોર્ન લવલી લિટલ વન્સ ! 🥰🥳










